બુધવાર, 28 ડિસેમ્બર, 2011

બાળકોને અંગ્રેજી કેવી રીતે શીખવીશું ?




બાળકોને અંગ્રેજી કેવી રીતે શીખવીશું ?


રાયસંગભાઇ વી. તળપદા 
કો- ઓર્ડીનેટર 
સી.આર. સી.ખડાણા 
તા.પેટલાદ, જી. આણંદ

       અંગ્રેજીના જાણકાર શિક્ષક જ બાળકોને અંગ્રેજી સારી રીતે શીખવી શકે એવી માન્યતા ભૂલ ભરેલી છે.--- બાળકોને અંગ્રેજી ભણાવતાં-ભણાવતાં આપણે પણ તેને શીખી શકીએ છીએ  જુઓ કેવી રીતે.....
           આપણી રોજીંદી ભાષામાં લગભગ  ૨૦૦૦ (બે હજાર ) જેટલા શબ્દો અંગ્રેજીના આવે છે. અને આપણને ખબર પણ પડતી નથી કે આપણે  અંગ્રેજી બોલી રહ્યા છીએ, જુઓ કેવી રીતે ???      
 (cup , plate , bus , cycle , train , rail , phone , call , ball , mobile , fan , TV , sofa , bell , message , latter , head master , training .. ) છે ને ? 
 ( એક નોટબૂકમાં આવી  લાંબી યાદી બનાવો જેથી આગળનું કામ સહેલું બની જાય) 

                    હવે મુદ્દો એ છે કે શું આપણે આના આધારે આપણાં બાળકોને સરસ રીતે, ઝડપથી સહેલાઈથી શીખવામાં મદદ કરી શકીએ ખરા ?

બે સિદ્ધાંતો  

(૧) ભાષા કૌશલ્ય પ્રધાન છે.--- અને કૌશલ્ય અભ્યાસથી ( એટલે કે અનુભવ કરીને ) શીખી શકાય છે.
     એટલે કે આપણે વર્ગમાં આવી સ્થિતિ બનાવવાની છે કે જેમાં બાળકો એ અંગ્રેજીનો ઉપયોગ કરવો જ પડે. આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થઇ શકે??? શું આપણે આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ ? કે  જે રોચક હોય, આકર્ષક હોય !!! અને પ્રવૃત્તિ એવી મજેદાર હોય કે  એમાં બાળકોનું મન લાગે ???  
(૨) કુતુહલવૃતિ - જીજ્ઞાસાની સંભાવના હોય તો ભાગીદારી વધી જાય છે.
દા.ત. :- તમને કોઈ પ્રાણીની પૂછડી જ દેખાઈ રહી છે તો તમે વિચારવા લાગી જાવ છો કે અ કયા પ્રાણીની પૂછડી હશે ? છે ને ??? આપનું મન આ પ્રમાણે ટેવાયેલું હોય છે. થોડુંક અર્થસૂચક જણાય તો તે એમાં ડૂબકી મારવા લાગી જાય છે.
               આગળ કેટલીક યુક્તિ -પ્રયુક્તિ  જોઈએ કે આ બે સિદ્ધાંતોના આધારે આપણે શું કરી શકીએ છીએ. તેનો ઉપયોગ કરતી વખતે જરૂર જણાય ત્યાં માતૃભાષામાં કામ લઇ શકાય.--- (સમજાવવા માટે અથવા ઉદાહરણ આપવા માટે ક્યારેક અનુવાદ કરવા માટે પણ) દરેક પ્રયુક્તિ વખતે અનિવાર્ય પણે એ અંગ્રેજી શબ્દોથી શરુ કરવી જે શબ્દોને બાળકો જાણે છે ( એ શબ્દો જે ગુજરાતીમાં આવે જ છે ) 

શીખવતી વખતે આપણો અભિનય - હાવભાવ અને અવાજ નો ખૂબ સારી રીતે ઉપયોગ કરીએ  જેથી બાળકોને સમજવું  સરળ થઇ જાય. બાળકોના ઉચ્ચાર અને સાચા-ખોટા (સાચું કથન) ઉપર  અત્યારે ધ્યાન ના  આપો તો વધારે સારું.---- પહેલાં અભિવ્યક્તિ અને શ્રવણ જરૂરી છે. ઉચ્ચાર અને  કથન કૌશલ્ય ધીરે- ધીરે આવી જશે.


બીજી કેટલીક યુક્તિ - પ્રયુક્તિઓ હવે પછી કોઈવાર જોઈશું.  


પ્રયુક્તિ - ૧ :- તો સાચું વાક્ય શું છે ? ( what's the right sentence ? )
                 ટેબલ તરફ નિર્દેશ કરીને બોલો  "This is a Pen.''  જયારે બાળકો માથું હલાવે તો કહો --- no, This is  a Table." 
         પછી ચોપડી તરફ નિર્દેશ કરીને કહો "This is a Pen /Bus /Table  વગેરે .... વગેરે ....
     હવે બાળકોને સાચું બોલવા માટે કહો, આવાં ઘણાં ઉદાહરણ આપો, ધીમે ધીમે બાળકોને સાચાં અને ખોટાં બન્ને પ્રકારનાં વાક્યો બનાવવા માટે પ્રોત્સાહિત કરો. એમને બતાવો કે ક્યા-ક્યા અંગ્રેજી શબ્દોનો વ્યવહાર પહેલેથી જ ગુજરાતીમાં છે. જરૂર જણાય તો તેવા શબ્દોનું લીસ્ટ કા.પા. પર લખી દો. ( ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં ) 
             શું કોઈ બીજી રીતે " ખોટું વાક્ય "પણ બાળકો સમજી શકે છે ?     હા. જેમ કે, ---- એક આંગળી ઉંચી કરો અને કહો, -- I  have  raised  TEN  fingers !..... પછી પોતે જ વાક્ય સુધારો અને સાચું વાક્ય બોલો,     અને ત્યાર પછી ઉદાહરણ મુજબ, બીજાં ખોટાં વાક્યો રજૂ કરીને બાળકો પાસે જે તે વાક્યો માટે સાચાં વાક્યો બોલાવવાં. (જરૂર જણાય ત્યાં માતૃભાષાનો સહારો લઈ શકાય.) 
 આપણે ઘણી રીતે  આ પ્રયોગ કરી શકીએ છીએ.... રંગ, આકાર, કદ, સંખ્યાઓ, બાળકોના નામ, વ્યવસાયકારો, સગપણ, વગેરે....વગેરે.... 
         આ પ્રયુક્તિ બાદ  તમે અનુભવી શકશો કે અંગ્રેજીનો તાસ ખૂબ જ  રસિક બની ગયો છે... અને બાળકો અંગ્રેજીના તાસની રાહ જુએ છે. એથી પણ વધુ તાસ પછી પણ તેઓને આવી અભિવ્યક્તિ કરતા જોઈ શકશો.

પ્રયુક્તિ- ૨:- આ વસ્તુ કયાં છે ? ( Where 's this thing ?)  
તમારો મોબાઇલ અથવા  પેન્સિલ તમારા હાથમાં લો અને પૂછો, Where      is the pencil ? પછી પોતે જ જવાબ આપો,  It is in my hand. હવે તેને અલગ - અલગ જગ્યા પર મૂકો  ( ટેબલ ઉપર, અથવા નીચે ચોપડી પાછળ, કોઈ બાળકના  ખિસ્સામાં વગેરે... વગેરે....) એક બે વાર પૂછો.... Where  is the pencil now ? બાળકોને એમના તરફથી બોલવા દો, પછી પોતે જ વસ્તુઓને અલગ-અલગ જગ્યા પર મૂકીને, આ ક્રિયા કરવા માટે પ્રોત્સાહિત કરો. ઈચ્છો તો " ખોટું વાક્ય " વાળી પ્રયુક્તિ પણ અપનાવી શકો છો! અથવા વર્ગની બે ટૂકડીઓ પાડીને રમત પણ રમાડી શકાય.


પ્રયુક્તિ- ૩ :- નાનું - મોટું. ( સરખામણી )  (Bigger and Smaller ) 
          કેટલીક વસ્તુઓ લો અને બાળકોને તુલનાત્મક શબ્દોમાં (હાવભાવ અને અભિનય સાથે ) પરિચય કરવો જેમકે..... 
 The pencil is longer than the rubber.' અથવા 'The  rubber is broader than the pencil.' અથવા ' The  mobile is bigger than the rubber.'  
    ઈચ્છો તો અહી પણ  " ખોટું વાક્ય " વાળી પ્રયુક્તિ પણ અપનાવી શકો છો! અથવા વર્ગની બે ટૂકડીઓ પાડીને રમત પણ રમાડી શકાય. જેમાં વર્ગમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓ ખૂબ ઉપયોગી થઇ પડશે. 


પ્રયુક્તિ- ૪ :- ઓળખો હું કોણ ?  (Guess Who I am ?  )    
જયારે આપણા વર્ગનાં બાળકો કેટલાક શબ્દો/વાક્યોથી થોડાં-ઘણાં પરિચિત થઇ જાય, ત્યારે આ વિવરણ આધારિત પ્રયુક્તિ (અભિવ્યક્તિ ) તરફ આગળ વધી શકાય. આગળની પ્રયુક્તિઓમાં જે - જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનો આધાર અહીં પણ લેવો. 
    અંગ્રેજીમાં બાળકોને hints / clues / વિકલ્પ આપો, અને બાળકોને કહો કે તે ઓળખવાની કોશિશ કરે....... જેમકે..... 


      My  shape is like a rubber. I make a ringing sound .  You can use me to make a fone call !


  ધીમે-ધીમે વધારે અઘરી બાબતો તરફ આગળ વધો..... (થોડી -ઘણી અંગ્રેજી - ગુજરાતી ભાષા મિશ્રિત કરી દેવી કોઈ ખરાબ બાબત નથી.)
'When you write with a pencil and make a bhul (ભૂલ ), you ues me.'
( ઈચ્છો તો અભિનય દ્વારા વધારે સરળ બનાવો ) આ પ્રમાણેની શરૂઆતને આગળ વધારો અને બાળકોને પણ અંગ્રેજી - ગુજરાતી મિલાવીને વાક્ય બનાવવા દો. ( આ સમયે ભાષાશુદ્ધિના ચક્કરમાં ફસાઈ ગયા તો ગાડી આગળ નહી વધે અને અંગ્રેજી શીખવા - શીખવવાનું કામ થઇ શકશે નહી )  આમ પણ ગુજરાતી ભાષામાં કેટલા બધા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા છે ! લોકો તેનો ગુજરાતીમાં છૂટથી ઉપયોગ કરે છે, અને પોતે શુદ્ધ ગુજરાતી બોલે છે/ લખે છે એવા વ્હેમમાં રાચે છે. તો પછી અંગ્રેજી ભાષા શીખવાની પ્રક્રિયામાં થોડા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં શરમાવા જેવું શું છે? અને એમાં શું ખાટું- મોળું થઇ જવાનું ???    ગુજરાતી ભાષાના કથન અને  લેખનમાં ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય છે છતાં ગુજરાતી ભાષા બોલીએ છીએ,સાંભળીએ  છીએ ,વાંચીએ છીએ, લખીએ છીએ, એમાં કોઈ નાનમ નડતી નથી.  તો પછી અંગ્રેજી ભાષા શીખવા માટે પા...પા .... પગલી ભરતાં બાળકો માટે શરૂઆતમાં જ અંગ્રેજીના શુદ્ધ વાક્યો અને શુદ્ધ ઉચ્ચારની અપેક્ષા રાખવી એ શું વધારે પડતું ના કહેવાય???  આમ પણ બાળક જન્મ્યા પછી અમુક ઉંમરે તેની માતૃભાષા બોલતાં શીખે છે ત્યારે તેના વાક્યો કે ઉચ્ચાર ક્યાં સાચાં હોય છે ? પરંતુ ધીમે ધીમે તે સાચા વાક્યો શુદ્ધ ઉચ્ચારે બોલતાં શીખી જાય છે !


  યાદ રાખો આપણી આવી અપેક્ષાઓના કારણે જ બાળકોના  મનમાં  અંગ્રેજી ભાષાનો હાઉ પેંદા થઇ શકે છે !!!!!  


બાળકોને  જરૂર છે પ્રેરણા અને પ્રોત્સાહનની, અને થોડી નિર્ભયતાની તેમ જ  થોડા મહાવરાની, શીખવનારને જરૂર છે   માત્ર થોડી ધીરજની.


પ્રયુક્તિ- ૫  :- દ્વીભાષિય વાર્તાઓ  (અને અન્ય મૌખિક ફકરા) 


  બાળકોની પરિચિત અને પસંદગીની વાર્તાઓ ( તે પણ એવી જે તેના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં હોય ) અંગ્રેજી શીખવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એક એક વાક્યમાં આ વાર્તાઓ સંભળાવો. એક વાક્ય ગુજરાતીમાં સંભળાવો પછી એ જ વાક્ય અંગ્રેજીમાં કહો.   જેમ કે ......

(વાક્ય મુજબ હાવભાવ અને અભિનય ખૂબ જ જરૂરી )


૦ એક જંગલમાં એક હાથી રહેતો હતો. In a junjle, there lived an  elephant.
૦ તે જંગલનો ડોક્ટર હતો.  He was the doctor of the jungle.
૦ પરંતુ તેને કીડીઓનો ખૂબ જ ડર લાગતો હતો.  But he was very, very  afraid of ants!'
        બાકીનું આપના માટે રાખવા માગું  છું.

     આ પ્રયુક્તિના અમલીકરણ  માટે કદાચ આપણને આપણી અંગ્રેજી ઉપર પુરતો આત્મવિશ્વાસ ન હોય (ભાષાંતર માટે)તો, કોઈ જાણકારની મદદ લેતાં શરમાવું ન જોઈએ...... અંગ્રેજીના CRG અથવા કોઈ હાઇસ્કૂલના અંગ્રેજી શિક્ષકની મદદ લઇ શકાય......જો આપણા વર્ગનાં બાળકો આઠ -દસ વખત પણ આ મુજબ વાર્તાઓ સાંભળશે તો ખૂબ મોટો ફરક જોવા મળશે. 

    કેટલાક મૌખિક સંવાદોને પણ હાવભાવ અને અભિનય સાથે બન્ને ભાષામાં રજૂ કરીને પણ બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસાવી શકાય.... બાદમાં બાળકોને બોલવાની તક આપો, તેઓ પણ ગુજરાતી- અંગ્રેજી ભેળસેળિયા રૂપમાં બોલે અને ધીમે - ધીમે પૂરે પૂરું અંગ્રેજી બોલી શકાશે.

પ્રયુક્તિ- ૬ :- મારા વિષે દસ વાતો.  (Ten Things about me.)  
  ( દસ વાતો જ કેમ ? એનું કોઈ કારણ નથી, વધારે કે ઓછી પણ લઇ શકાય,)

      આ પહેલાં આપવામાં આવેલી Guess Who I am ? નું એક વધારાનું રૂપ છે......શરૂઆત કરો પોતાના વિષે અંગ્રેજીમાં દસ વાતો જણાવીને, એવી વાતો જે બાળકો સમજી શકે....... જેમ કે...

   I'm a teacher;   I like being with children;   I come to  school in the morning................ વગેરે......વગેરે.......

    પછી બાળકોને જણાવો કે હવે તમારો વારો આવે છે. જ્યાં જરૂર જણાય ત્યાં અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીનો ઉપયોગ કરી શકો છો....... જો તમને ખબર હોય તો તમે તેમને અંગ્રેજી શબ્દો આપી શકો છો. પરંતુ ખબર ન હોય તો તકનો લાભ ઉઠાવીને બાળકોની સામે શબ્દકોષ રજૂ કરી સાચો શબ્દ શોધવા કહો. અથવા તમે સાચો શબ્દ શોધી આપો....અને.... જણાવો.... આવી રીતે તમે પણ એમની સાથે સાથે શીખશો જ પરંતુ બાળકો તો શબ્દોથી પણ કંઈક વધારે શીખશે. 

બાકીની વિગતો હવે પછી જોઈશું.


          ઉપર આપવામાં આવેલી પ્રયુક્તિઓમાં એટલું જરૂરી છે.
       બાળકોને આ બાબતે વિચારવાની તક આપો કે....
        તેઓ ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યાં છે? 
         કેવી કેવી રચનાઓ ઉભરી આવે છે? 
     જે શીખી રહ્યાં છે તેમાં કેવી કેવી યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે? 
         
        શીખવા -શીખવવાની જે જે મહત્વની બાબતો, જે મળે તે મેળવતા રહો.....મહાવરો કરાવતા રહો જેથી બાળકોના મનમાં જ્ઞાન તાજું રહે, અને એના આધારે આગળ વધતાં રહે. 

      તમને લાગશે કે, આ બધી તો મૌખિક પ્રયુક્તિઓ છે તેના પર આટલું બધું  ભારણ શા માટે આપવું?.... પણ એ  એટલા માટે કે,  અંગ્રેજીમાં બાકીનું બીજું બધું શીખવા માટે એક  ખૂબ મજબૂત આધાર (પાયો) જોઈએ...... જે  મકાનનો પાયો મજબૂત અને  ઊંડો હોય  એ મકાન પર  વધારે  માળ લઇ શકાય.... એ જ પ્રમાણે અંગ્રેજી ભાષાનો પાયો આ મૌખિક સોપાનથી મજબૂત થઇ શકે છે....... અહી બાળકોને અંગ્રેજીમાં ખૂબ જ સાંભળવાનું મળવું જોઈએ. અને આ પ્રમાણે અંગ્રેજીમાં બોલવાની તક મળવી જોઈએ, જેથી તેન[ એવું લાગવું જોઈએ કે પોતાને અને તેને મિત્રોને સમજમાં આવી રહ્યું છે. 

     જો તમારી શાળામાં ટી.વી. છે, અને તમે બાળકોને અંગ્રેજીનો કાર્યક્રમ બતાવી શકો તો, મને વિશ્વાસ છે કે તમે જરૂર આ તમામ બાબતોનો ખૂબ ખૂબ રસપ્રદ ઉપયોગ કરી શકશો. 

   તો હવે લેખનનું કામ ક્યારે શરુ થાય???  ઝડપથી ! બાળકો ગુજરાતી વાંચન - લેખનની શરૂઆત કરી ચૂક્યાં છે, તમે  એમાંથી  જ  કેટલીક યુક્તિ- પ્રયુક્તિઓ નું અંગ્રેજી માટે લેખિત  રૂપે તૈયાર  કરી શકો છો..અથવા  તેમાં લેખિત માટેની રૂપરેખા જોડી શકો છો. 

           અંતમાં અહીં આપવામાં આવેલી યુક્તિ- પ્રયુક્તિઓ  માત્ર એક શરૂઆત છે, આગળ તમે ( ઉપર જણાવેલા બન્ને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને) ખૂબ જ સુંદર મારા કરતાં પણ વધારે સારી યુક્તિ- પ્રયુક્તિઓ બનાવી શકો છો.

                                                All The Best 

                                         રાયસંગભાઇ વી. તળપદા 
                                      કો- ઓર્ડીનેટર 
                                     સી.આર. સી.ખડાણા 
                                     તા.પેટલાદ, જી. આણંદ


-----------------------------------------------------------------

પ્રજ્ઞા ગીત 




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો